Achira News Logo
Achira News

અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વની ઘટનાઓ રદ અથવા મુલતવી રાખવામાં આવી

Akila News
અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વની ઘટનાઓ રદ અથવા મુલતવી રાખવામાં આવી
Full News
Share:

દુબઈ:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ઓછાયા હવે ગલ્ફ દેશોના ગ્લેમર અને બિઝનેસ જગત પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. યુદ્ધ ઓગણીસમાં દિવસમાં પ્રવેશતાની સાથે જ મધ્ય પૂર્વના દેશોમાં યોજાનારા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પર ગ્રહણ લાગ્યું છે. વૈશ્વિક પ્રવાસીઓ અને રોકાણકારોને આકર્ષતા પ્રતિષ્ઠિત આયોજનો એકપછી એક રદ થઈ રહ્યા છે અથવા તેમની તારીખો લંબાવવામાં આવી રહી છે. નોર્થબોર્ન એડવાઈઝરી એક્ઝિક્યુટિવ ડેશબોર્ડના ૧૮ માર્ચ સુધીના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ ૪૨ મોટી ઈવેન્ટ્સને સ્થગિત કરવામાં આવી છે, ૨૮ કાર્યક્રમો મોકૂફ રખાયા છે અને ૨૧ આયોજનો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને સાઉદી અરેબિયામાં સુરક્ષાના વધતા જોખમો અને હુમલાઓના અહેવાલોને પગલે પ્રવાસન અને રમતગમત ક્ષેત્રે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. મોટરસ્પોર્ટ્સ અને ફૂટબોલ પ્રેમીઓને મોટો આંચકો:ગલ્ફ દેશોમાં મોટરસ્પોર્ટ્સનો ભારે ક્રેઝ છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા ફોર્મ્યુલા વન (F1) એ ૧૫ માર્ચે સત્તાવાર જાહેરાત કરી છે કે ૧૦ થી ૧૨ એપ્રિલ દરમિયાન બહેરીન ઇન્ટરનેશનલ સર્કિટ પર યોજાનારી 'બહેરીન ગ્રાન્ડ પ્રી' અને ૧૭ થી ૧૯ એપ્રિલ દરમિયાન જેદ્દાહમાં યોજાનારી 'સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રી' બંને રદ કરવામાં આવી છે. એફ-વન કેલેન્ડરમાંથી આ બે મહત્વની રેસ નીકળી જતા હવે સીધો પાંચ અઠવાડિયાનો ગેપ પડ્યો છે. સાઉદી અરેબિયાએ રેસ જાળવી રાખવા ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ એફઆઈએ (FIA) અને એફ-વન મેનેજમેન્ટે સુરક્ષાના કારણોસર આ માંગ ફગાવી દીધી હતી. બીજી તરફ, ફૂટબોલ જગતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવી સ્પેન અને આર્જેન્ટીના વચ્ચેની 'ફાઈનાલીસીમા ૨૦૨૬' મેચ પણ યુઈએફએ (UEFA) દ્વારા રદ કરવામાં આવી છે. કતારના લુસેલ સ્ટેડિયમમાં ૨૭ માર્ચે યોજાનારી આ મેચ રદ થતા ટિકિટના પૈસા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોટોજીપી (MotoGP) ની કતાર ગ્રાન્ડ પ્રી પણ હવે ૮ નવેમ્બર પર ઠેલવામાં આવી છે. અરેબિયન ટ્રાવેલ માર્કેટ અને બિઝનેસ સમિટની તારીખો બદલાઈ:વિશ્વના સૌથી મોટા પ્રવાસન પ્રદર્શનોમાં જેની ગણના થાય છે તે અરેબિયન ટ્રાવેલ માર્કેટ (ATM) ની ૩૩મી એડિશન હવે મે મહિનાને બદલે ઓગસ્ટમાં યોજાશે. આયોજક આરએક્સ (RX) ના જણાવ્યા મુજબ, એટીએમ ૨૦૨૬ અને તેની સાથે સંકળાયેલી ટ્રાવેલ ટેક ઈવેન્ટ્સ હવે ૪-૭ મેના બદલે ૧૭-૨૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાશે. એક્ઝિબિશન ડિરેક્ટર ડેનિયલ કર્ટિસના જણાવ્યા અનુસાર, ગ્રાહકો અને સહભાગીઓની સુરક્ષા સર્વોપરી હોવાથી આ નિર્ણય લેવાયો છે. તેવી જ રીતે, દુબઈમાં યોજાનારી 'ટોકન ૨૦૪૯' (TOKEN2049) ક્રિપ્ટો ઈવેન્ટ જે એપ્રિલમાં યોજાવાની હતી, તેને સીધી એપ્રિલ ૨૦૨૭ સુધી લંબાવી દેવામાં આવી છે. અબુ ધાબી ઈન્ટરનેશનલ બુક ફેર અને આઈએએપીએ (IAAPA) એક્સ્પો મિડલ ઈસ્ટ પણ ૨૦૨૭ સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. જેપી મોર્ગન મેના ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ સમિટ અને યુઆઈટીપી (UITP) સમિટ જેવા આર્થિક મહત્વ ધરાવતા કાર્યક્રમો પણ રદ થયા છે. સાઉદી અરેબિયાનો મક્કમ નિર્ધાર - ટેક ઈવેન્ટ્સ યથાવત:ગલ્ફમાં ચારેબાજુ રદ થતી ઈવેન્ટ્સ વચ્ચે સાઉદી અરેબિયાએ અલગ વલણ અપનાવ્યું છે. રિયાધમાં ૧૩ થી ૧૬ એપ્રિલ દરમિયાન યોજાનારી વિશાળ ટેકનોલોજી કોન્ફરન્સ 'લીપ ૨૦૨૬' (LEAP 2026) અને તેની સાથેની એઆઈ સમિટ 'ડીપફેસ્ટ' (DeepFest) નિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે. આ ઈવેન્ટમાં ૨ લાખથી વધુ મુલાકાતીઓ અને ૧૦૦૦ થી વધુ સ્પીકર્સ ભાગ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત વર્લ્ડ પેટ્રોલિયમ કોંગ્રેસ (WPC Energy 2026) પણ ૨૬-૩૦ એપ્રિલ દરમિયાન રિયાધમાં યોજવાનું આયોજન છે. સાઉદી અરેબિયામાં પ્રો લીગ ફૂટબોલ અને રિયાધ સીઝનના કાર્યક્રમો પણ ચાલુ રાખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સાઉદી પ્રશાસન સ્થિતિ સામાન્ય હોવાનો સંકેત આપવા માંગે છે. જોકે, ફ્યુચર હોસ્પિટાલિટી સમિટને સાવચેતીના ભાગરૂપે એપ્રિલથી ખસેડીને ૨૨-૨૪ જૂન પર લઈ જવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વની ઘટનાઓ રદ અથવા મુલતવી રાખવામાં આવી | Achira News