Achira News Logo
Achira News

ઉચ્ચ અદાલતે ભારતની શિક્ષણ પ્રણાલીની નિંદા કરી, સુધારાની હાકલ કરી

Akila News
ઉચ્ચ અદાલતે ભારતની શિક્ષણ પ્રણાલીની નિંદા કરી, સુધારાની હાકલ કરી
Full News
Share:

શ્રીનગર:દેશમાં શિક્ષણના નામે ચાલતી હાટડીઓ અને કથળતી સરકારી વ્યવસ્થા પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક અત્યંત આકરો અને ક્રાંતિકારી ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે આજે શેરીએ-શેરીએ ખાનગી શાળાઓનો જે રાફડો ફાટ્યો છે, તે વાસ્તવમાં સરકારી શિક્ષણ પ્રણાલીના સંપૂર્ણ પતનનો જીવતો જાગતો પુરાવો છે. ન્યાયાધીશ સંજીવ કુમારની બેન્ચે ટિપ્પણી કરી કે સરકાર પોતાની શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે ગરીબમાં ગરીબ વાલી પણ પેટે પાટા બાંધીને પોતાના બાળકને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં મોકલવા મજબૂર બન્યો છે. કોર્ટના મતે, ખાનગી શિક્ષણ જે ક્યારેક પૂરક વ્યવસ્થા હતી, તે હવે સરકારી શિક્ષણનું સ્થાન લઈ રહી છે. આ ઐતિહાસિક ચુકાદા દ્વારા હાઈકોર્ટે રાજ્ય સરકારની એક મોટી સત્તા પર કાતર ફેરવી દીધી છે. અત્યાર સુધી સ્કૂલ ફી ફિક્સેશન કમિટી (FFRC) ના અધ્યક્ષ તરીકે નિવૃત્ત સરકારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ કોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરવી રદ કરી દીધી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ જેવી સંવેદનશીલ બાબતમાં નફાખોરી રોકવા અને તટસ્થતા જાળવવા માટે આ સમિતિનું નેતૃત્વ હવે માત્ર હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જ કરશે. આ નિર્ણયથી સરકારની મનસ્વી નિમણૂકો પર બ્રેક લાગશે અને શાળાઓની ફી નક્કી કરવામાં વધુ પારદર્શિતા આવવાની આશા જાગી છે. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણની કલમ 19(1)(g) હેઠળ ખાનગી શાળા ચલાવવી એ એક વ્યવસાય છે અને તેમને વ્યાજબી નફો મેળવવાનો અધિકાર છે, પરંતુ 'નફાખોરી' (Profiteering) ને ક્યારેય મંજૂરી આપી શકાય નહીં. સરકારે કાગળ પર અનેક સુધારાઓ કર્યા હોવા છતાં જમીની હકીકત એ છે કે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. જ્યાં સુધી સરકારી શાળાઓનું માળખું ખાનગી શાળાઓની સમકક્ષ નહીં બને, ત્યાં સુધી સામાન્ય જનતાનું શોષણ અટકાવવું અશક્ય છે. આ ચુકાદો સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા માટે એક ચેતવણી સમાન છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઉચ્ચ અદાલતે ભારતની શિક્ષણ પ્રણાલીની નિંદા કરી, સુધારાની હાકલ કરી | Achira News