ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ-રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. એક ડિગ્રીના ઘટાડા સાથે રાત્રિનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, જ્યારે પોણા ડિગ્રીના વધારા સાથે દિવસનું મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આ સ્થિતિને કારણે રાત્રે ઠંડક અને બપોરે હળવી ગરમી અનુભવાતી હોવાથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, વાતાવરણમાં આવેલો આ ફેરફાર ચાલુ સપ્તાહ દરમિયાન પણ યથાવત રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દિવસ-રાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. આ અંગે ભચાઉ કિવિકેના સહ-સંશોધક ડૉ. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ભેજનું પ્રમાણ પણ સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે. જેના સીધા પ્રભાવથી દિવસ-રાતના તાપમાનમાં ફેરફાર થતાં ઠંડીની તીવ્રતા નબળી પડી છે. આ વાતાવરણિક સ્થિતિને કારણે ફૂગજન્ય રોગો તેમજ ચુસિયા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મોટાભાગના પાકોને અસર પહોંચી રહી છે . જો આ પરિસ્થિતિ એક સપ્તાહ સુધી યથાવત રહે, તો ઘઉંના પાકની ઊંચાઈ તેમજ દાણાનો વિકાસ રૂંધાઈ શકે છે, જેના પરિણામે 10થી 15 ટકા સુધી ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આ ઉપરાંત જીરૂના પાકમાં 50 ટકા સુધી અને રાઈના પાકમાં 25થી 30 ટકા સુધી ઉત્પાદન ઓછું મળવાનું જોખમ રહેલું છે.
ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં અસામાન્ય વધઘટ, પાકને અસર
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.