ધોરણ 12માં રાજ્યના સરેરાશ પરિણામ કરતા 3.50 ટકા વધુ પરિણામ હાંસલ કરી કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમે રહ્યો છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 96.21% અને વિજ્ઞાન પ્રવાહનું 85.64% પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે જિલ્લાના કુલ 224 તેજસ્વી તારલાઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં સામાન્ય પ્રવાહના 204 અને વિજ્ઞાન પ્રવાહના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાની 551 જેટલી શાળાઓમાં 100થી વધુ શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તંત્રની મહેનત રંગ લાવી : ડીઇઓ સંજય પરમાર જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આપતા જણાવ્યું કે, પ્રિ-બોર્ડ એક્ઝામ, કચેરીની યુ-ટ્યુબ ચેનલ દ્વારા તજજ્ઞોનું માર્ગદર્શન અને સતત મોનિટરિંગને કારણે આ સિદ્ધિ મળી છે. તેમણે જિલ્લા કલેક્ટર અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ આનંદ પટેલનો પણ આભાર માન્યો હતો. પરિણામ જાહેર થતાની સાથે શિક્ષણાધિકારી સંજય પરમાર, શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી અને કંચનબેન કુકસાલે તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાઓએ જઈ મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ જગતમાં દિવાળી જેવો માહોલ: ધો.12 આર્ટ્સ-કોમર્સમાં જિલ્લાનું 96.21% પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થતા કચ્છમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ વર્ષે કચ્છ જિલ્લાએ પોતાની વિજયકૂચ જાળવી રાખતા 96.21% પરિણામ હાંસલ કર્યું છે, જે રાજ્યના સરેરાશ 92.71% કરતા નોંધપાત્ર રીતે વધુ છે. ખાસ કરીને A1 ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યામાં થયેલો મોટો ઉછાળો કચ્છની શૈક્ષણિક ગુણવત્તામાં આવેલો સુધારો દર્શાવે છે. આ વર્ષે જિલ્લામાં કુલ 11,593 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 11,562 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11,124 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે, ગત વર્ષે A1 ગ્રેડમાં 150 વિદ્યાર્થીઓ હતા, જે આ વર્ષે વધીને 204 થયા છે. એટલે કે ગત વર્ષની તુલનામાં 54 વધુ વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં વધારો સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધી રહ્યા છે. ચેરી ખંડોર 99.99 PR સાથે જિલ્લામાં ઝળકી: CA બનવાની આકાંક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ખંડોર ચેરી હરેશકુમારે ઉત્કૃષ્ટ દેખાવ કરતા 99.99 PR (98.71%) મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચેરીએ 700 માંથી 691 ગુણ પ્રાપ્ત કરીને સાબિત કર્યું છે કે જો એકાગ્રતા અને સાચી પદ્ધતિથી મહેનત કરવામાં આવે તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. સફળતાના રહસ્યો શેર કરતા જણાવ્યું કે, તેણે ક્યારેય વિષયોને ગોખવા પર ભાર મૂક્યો નથી. તેના બદલે દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજીને વાંચવાનું પસંદ કર્યું હતું. તે દરરોજ નિયમિતપણે 3 કલાક સંપૂર્ણ એકાગ્રતા સાથે વાંચન કરતી હતી. આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ જેવા વિષયો વિશે વાત કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ દાખલાઓથી ડરવાની જરૂર નથી, પણ તેમાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દાખલો ગણ્યા પછી રી-ચેકના કારણે ભૂલની શક્યતા નહિવત્ થઈ હતી. એક સમયે માત્ર એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકાય છે. અન્ય વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું કે, વાંચન કરતી વખતે ચોકસાઈ રાખવી અને મહત્તમ પ્રેક્ટિસ કરવી એ જ સફળતાનો સાચો માર્ગ છે. જિલ્લાની 100થી વધુ શાળામાં 100 % પરિણામ કચ્છમાં ધો. 12ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ 551 જેટલી શાળાઓ આવેલી છે જેમા સાયન્સમાં 5 અને આર્ટ્સ અને કોમર્સમાં 104 શાળાઓ એવી છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. અંતરિયાળ વિસ્તાર હોય કે પછી શહેર કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો દબદબો હવે વધી રહ્યો છે. એક સમયે અંતરિયાળ કહેવાતો જિલ્લો આજે રાજ્યમાં ટોપ પાંચમાં આવે છે જે મોટી સફળતા છે. 5 વર્ષનું પરિણામ 2022 - 91.24 2023 - 84.59 2024 - 94.23 2025 - 95.05 2026 - 96.21 સામાન્ય પ્રવાહ : ગ્રેડ મુજબ છાત્રોની સંખ્યા A1 - 204 A2 - 1282 B1 - 2102 B2 - 2606 C1 - 2780 C2 - 1832 D - 312 98.50 સાથે કેરા કેન્દ્ર મોખરે માંડવી - 98.41% ગઢશીશા - 97.61% નખત્રાણા - 97.32% ભચાઉ - 97.04% નલિયા- 97.00% રાપર - 96.53% મુન્દ્રા - 96.48% ભુજ- 96.07% અંજાર- 95.76% ગાંધીધામ- 94.81% આદિપુર- 94.57% ખાવડા - 93.20% દયાપર - 91.43% કચ્છમાં ધો.12 સાયન્સમાં 85.64 ટકા પરિણામ, માંડવી કેન્દ્રનું સૌથી વધારે અને અંજારનું ઓછું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં કચ્છ જિલ્લાએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આ વર્ષે જિલ્લાનું કુલ પરિણામ 85.64% નોંધાયું છે, જે બોર્ડના સરેરાશ પરિણામ 84.33% કરતા પણ વધુ છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે કચ્છે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જિલ્લામાં કુલ નોંધાયેલા 1441 પૈકી 1435 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1229 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. જિલ્લાની 5 શાળાઓએ 100% પરિણામ મેળવી શિક્ષણ જગતમાં નામ રોશન કર્યું છે. 2024માં માત્ર 2 વિદ્યાર્થી A1 ગ્રેડમાં હતા, જે સંખ્યા 2025માં 17 અને આ વર્ષે વધીને 20 પર પહોંચી છે. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાયું છે. વ્યક્તિગત સિદ્ધિમાં ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલની વિદ્યાર્થિની સાનવી વિજય ક્રીપલાણીએ 99.93 પર્સન્ટાઈલ (ગુણ 622) મેળવી સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી હોવાનું ડીઇઓ કચેરી દ્વારા જણાવાયું હતું. કેન્દ્રવાર પરિણામ માંડવી - 91.24 ભુજ - 86.06 ગાંધીધામ - 84.33 અંજાર - 78.57 અવ્વલ આવેલી સાન્વીનું સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલની વિદ્યાર્થિની સાન્વી વિજય ક્રીપલાણીએ 99.93 PR સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. સાન્વીએ 650 માંથી 622 ગુણ (95.69%) મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. સફળતા વિશે જણાવ્યું કે, શરૂઆતથી કરેલી મહેનતને કારણે અંતિમ સમયે દોડધામ કે માનસિક દબાણ અનુભવાયું નહોતું. સતત રિવિઝન અને વધુમાં વધુ પેપર સોલ્વ કરવાને સફળતાનું સૂત્ર ગણાવ્યું હતું. આજના સમયમાં જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલના એડિક્શનનો ભોગ બનતા હોય છે, ત્યારે સાન્વી પોતે એક બ્લોગર છે. તેણે પોતાના બ્લોગિંગના શોખને જીવંત રાખવાની સાથે ભણતરમાં પણ એટલું જ ધ્યાન આપ્યું હતું. તેણે સાબિત કર્યું કે જો સમયનું આયોજન યોગ્ય હોય, તો શોખ અને અભ્યાસ બંનેમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. ભણતરને ક્યારેય દબાણરૂપ ન ગણવું જોઈએ. સોફ્ટવેર એન્જિનિયર બનીને ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ટ્યુશન વગર સરકારી સ્કૂલમાં અભ્યાસ કરી ભુજની દીકરીએ પ્રતિભા દર્શાવી : ડોકટર બનવાની ઈચ્છા ભુજની સરકારી ઇન્દિરા બાઈ ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોઢા શિવાનીબા પ્રભુજીએ ધો. 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે આજકાલ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોંઘા ટ્યુશન ક્લાસીસનો ક્રેઝ છે, ત્યારે શિવાનીબાએ કોઈપણ જાતના ટ્યુશન રાખ્યા વગર સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. સફળતાનો શ્રેય સ્વ-અભ્યાસ અને શાળાના માર્ગદર્શનને આપ્યો છે. તેઓએ જણાવ્યું કે, ધો. 10માં પણ A1 ગ્રેડ મેળવ્યો હતો. દરરોજ 8 થી 10 કલાક સખત અભ્યાસની સાથે આચાર્ય અને શિક્ષકો તરફથી તેમને સતત પ્રોત્સાહન અને શૈક્ષણિક સહયોગ મળતો હતો. તેમનું લક્ષ્ય મેડિકલ ક્ષેત્રમાં આગળ વધીને ડોક્ટર બની સમાજ સેવા કરવાનું છે. એક સામાન્ય પરિવારની દીકરીએ પોતાની મહેનતના જોરે મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. પ્રિન્સિપાલ ભુમિકાબેન ગઢવીએ સિદ્ધીને બિરદાવી હતી. 5 વર્ષનું પરિણામ 2022 - 74.48 2023 - 70.88 2024 - 84.32 2025 - 83.23 2026 - 85.64 ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 20 A2 - 168 B1 - 255 B2 - 286 C1 - 271 C2 - 200 D - 29
કચ્છ જિલ્લાએ ગુજરાતની ધોરણ 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.