Achira News Logo
Achira News

ગુજરાત ક્રાઈમ ફાઈલ્સઃ રાજકોટનો જીવલેણ અકસ્માત

Divya Bhaskar
ગુજરાત ક્રાઈમ ફાઈલ્સઃ રાજકોટનો જીવલેણ અકસ્માત
Full News
Share:

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે વાંચ્યું કે રાજકોટના રૈયા ગામ નજીક એક યુવકનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. જો કે પોલીસને શંકા હતી કે મૃતકની બાઇકને એક જીપચાલકે જાણી જોઈને ટક્કર મારી હોઈ શકે છે. સાંજ સુધીમાં પોલીસને ખબર પડી કે અન્ય કોઈક પા હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…પોલીસ બપોર પછીથી રાજાને શોધી રહી હતી. સગા ભાઈને હત્યાને અકસ્માતમાં ખપાવવાની તેના પર શંકા હતી. ઘટનાસ્થળે જીપ થોડીને તે નાસી છૂટ્યો હતો. એટલે પોલીસે શક્ય હોય એટલા પ્રયાસ કરીને બને એટલી ઝડપે રાજાને શોધી કાઢવા માટેના પ્રયાસ ચાલુ કર્યા હતા. મોડી રાત થઈ ગઈ હતી. પીઆઈ ઝાલા પેટ્રોલીંગ માટે જીપમાં બેસવાની તૈયારીમાં જ હતા ત્યાં જ તેમના મોબાઈલની રિંગ વાગી. ફોન મદદનીશ યોગરાજસિંહનો હતો. કોલ રિસિવ કરતા જ સામેથી યોગરાજસિંહનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો,"સાહેબ, માછલી જાળમાં ફસાઈ ગઈ છે. રાજાને અમે ઉઠાવી લીધો છે" પીઆઈ તરત પાછા વળ્યા અને જીપમાંથી ઉતરીને પોતાની ચેમ્બરમાં પહોંચ્યા. થોડી જ વારમાં રાજા રોજાસરાને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. આરોપીના ચહેરા પર ગભરાટ હતો. પણ હજુ જાણે તે ઘણું છૂપાવવાના પ્રયાસમાં હોય એમ મૌન સાધીને બેઠો હતો. પોલીસના સવાલના જવાબમા રાજાએ રડમસ અવાજે પોતાની નિર્દોષતા સાબિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. બોલ્યો,"સાહેબ મેં કઈ નથી કર્યું. હું તો સવારનો વાડીએ હતો. મારા ભાઈના એક્સિડન્ટની ખબર પડી ત્યારે તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી." પણ પોલીસ અધિકારીઓને ખબર હતી કે રાજા સફેદ જુઠ બોલી રહ્યો છે. તેની વાતો સાંભળીને પીઆઈ ઝાલા ગુસ્સે થઈ ગયા. તેમણે કડક અવાજે અને રાજાની આંખોમાં આંખ પરોવીને કહ્યું,"તું જૂઠું બોલવાનું છોડી દે. એ જીપ તારા પરિચિતની છે અને સવારથી તારી પાસે હતી એના પુરાવા અમારી પાસે છે. હવે બોલ, તે તારા ભાઈને કેમ માર્યો?" હવે રાજાને ખ્યાલ આવી ગયો કે પોલીસ ઘણું બધુ જાણે છે. તે થથરી ગયો. થોડીવાર સુધી ચૂપ રહ્યો. પોલીસ તેના હાવભાવ પર બરાબર નજર રાખી રહી હતી. થોડીવાર પછી રાજા બોલ્યો,"સાહેબ, હું જીપ લઈને જતો હતો અને અચાનક મુકેશ આડો આવ્યો. એટલે ગાડી એના પર ચડી ગઈ. સાહેબ, હું મારા સગા ભાઈને થોડો મારું?, હું ડરી ગયો હતો એટલે ત્યાંથી નાસી છૂટ્યો." રાજાની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. એક તરફ પોલીસ સ્ટેશનમાં રાજાની પૂછપરછ ચાલી રહી હતી, બીજી તરફ હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ રાજાનો મોબાઈલ ચેક કરી રહ્યા હતા. તેમણે કોલ લોગ્સ જોયા. સવારથી અનેક ફોન થયા હતા. ફોનની ચકાસણી કરતા ખબર પડી કે રાજાના મોબાઇલમાં ઓટો કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન છે. યોગરાજસિંહના એકદમ સતર્ક થઈ ગયા. તેમણે એક બાદ એક કોલ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું. અકસ્માતના સમયની આસપાસના રેકોર્ડિંગ્સ સાંભળતા જ તેમના ભવાં ઊંચા થઈ ગયા. એક રેકોર્ડિંગમાં રાજાનો હાંફતો અવાજ સંભળાયો. યોગરાજસિંહે તરત જ પીઆઈ ઝાલા પાસે દોડ્યા. બોલ્યા,"સાહેબ આ સાંભળો. હવે કોઈ સાક્ષીની જરૂર નથી." પીઆઈ ઝાલાએ હાથમાં ફોન લીધો અને કોલ રેકોર્ડિંગનું પ્લેન બટન ટચ કર્યું. રેકોર્ડિંગમાં રાજા કોઈની સાથે વાત કરી રહ્યો હતો… "મેં લઘરાને ઠોકી દીધો છે... પૂરું કરી નાખ્યું એનું કામ. હવે હું શું કરું? ક્યાં જાઉં?" રેકોર્ડિંગ પૂરું થતા જ ચેમ્બરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પીઆઈ ઝાલાએ રાજાની સામે જોયું અને ફરીથી ફોનનું સ્પીકર ચાલુ કરીને એ જ રેકોર્ડિંગ વગાડ્યું. પોતાનો જ અવાજ સાંભળીને રાજાના હોશ ઉડી ગયા. તેને સમજાયું કે હવે તે ફસાઈ ગયો છે. રાજાએ બે હાથે માથું પકડી લીધું અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. "હા સાહેબ... મેં જ એને માર્યો છે. મેં જ મુકેશને જીપ નીચે કચડી નાખ્યો છે."રાજાએ ડૂસકા ભરતા કબૂલાત કરી લીધી. હત્યાનો ભેદ તો ઉકેલાઈ ગયો હતો પણ સવાલ હજુ એ જ હતો કે જે ભાઈ સાથે લોહીનો સંબંધ હતો, જેની સાથે એક જ થાળીમાં જમ્યા હતા, સાથે રમતા મોટા થયા એ જ ભાઈનો જીવ લેવા પાછળ રાજાની એવી તો શું મજબૂરી કે નફરત હતી? અડધી રાત્રે પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાજા હવે કોઈ રીઢા ગુનેગારની માફક નહીં પણ પસ્તાવાની આગમાં સળગતા એક લાચાર માણસની જેમ બેઠો હતો. તેને લાગ્યું કે હવે હકીકત છુપાવવાનો કોઈ અર્થ નથી. હૈયાનો ભાર હળવો કરવા તેણે બોલવાનું શરૂ કર્યું. "સાહેબ, દુનિયાને એમ લાગે છે કે અમે ભાઈઓ જમીન કે પૈસા માટે લડ્યા હોઈશું, પણ ના... અમારે ભાઈ ભાગ કે મિલકતનો કોઈ જ ડખો નહોતો. અમે તો હળીમળીને રહેતા હતા. પણ મારા નસીબમાં જ કંઈક અલગ રીતે લખાયેલા છે.",આટલું બોલીને રાજાએ ઊંડો શ્વાસ લીધો. થોડીવાર પછી તેણે આગળ ઉમેર્યું,"મારા લગ્નજીવનમાં ઝેર ઘોળાયું હતું એને હું ચૂપ રહીને સહન કરતો હતો. પણ લઘરાએ... મુકેશે મારી જિંદગીની ખરાબી કરી નાખી. બસ એ જ વાતનું મને માઠું લાગી ગયું અને નહોતું કરવાનું એ હું કરી બેઠો." રાજા ક્યારનોય બોલી રહ્યો હતો. પરંતુ તેણે જે પણ વાત કહી એ પોલીસકર્મીઓના મગજમાં પૂરતી બેસે એવી ન હતી. આરોપીની ગોળગોળ વાતોથી કંટાળેલા પોલીસકર્મીઓની ધીરજ ખૂટી. પીઆઈ ઝાલાએ ટેબલ પર હાથ પછાડ્યો. તેમને આવી અસ્પષ્ટ વાતોમાં રસ નહોતો. એટલે બોલ્યા,"રાજા… આ ગોળગોળ વાતો બંધ કર. સીધેસીધું બોલ કે અસલ ડખો શું હતો? લગ્નજીવનમાં એવી તે શું સમસ્યા હતી કે તેં સગા ભાઈનો જીવ લઈ લીધો?" રાજાએ માથું નીચું કરી લીધું. કોઈની સાથે આંખ મિલાવવાની હિંમત તેનામાં રહી ન હતી. તેણે ધ્રૂજતા અવાજે અસલ હકીકત જણાવી... "સાહેબ, મારી પત્ની વાસંતીને નજીકની વાડીમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો હતા. મને આ વાતની ખબર હતી. હું બધું જાણતો હતો. પણ ઘરની આબરૂ જશે અને સંસાર તૂટી જશે એ બીકે હું આંખ આડા કાન કરતો હતો. હું એને વારંવાર સમજાવતો પણ એ માનતી નહોતી." રાજાએ આગળ કહ્યું,"ગામમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. લોકો આંગળી ચીંધતા હતા. મુકેશ મારો નાનો ભાઈ ખરો… અને એના માટે વાસંતી મા સમાન હતી. જ્યારે મુકેશને ખબર પડી કે તેની ભાભી આડા રસ્તે ચડી છે અને મોટો ભાઈ બધું જાણવા છતાં મૌન છે ત્યારે તેને ગુસ્સો આવ્યો હતો." મુકેશ આ સહન કરી શક્યો નહીં. તેને લાગ્યું કે જો અત્યારે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આખું ખાનદાન સમાજમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. મુકેશે મનોમન નક્કી કરી લીધું કે હવે વડીલોને જાણ કરવી જ પડશે. 23 મે, 2017ના રોજ રાજકોટમાં મુકેશના પરિવારમાં લગ્ન હતા. એટલે ચોટીલાથી પણ ઘણા બધા લોકો આવ્યા હતા. મુકેશના ભાભીના ચરિત્રની વાત વડીલો સુધી પહોંચાડવાની આ તક યોગ્ય લાગી. તેણે નક્કી કર્યું કે આ વાત બીજા કોઈને નહીં તો મારા પિતાને જો કરવી જ છે, જેથી તેઓ પણ મોટા દીકરા અને પુત્રવધૂને ઠપકો આવે અને ઘરની વાત ઘરમાં રહે. કઠણ કાળજું કરીને મુકેશ તેના પિતા મોહનભાઇ પાસે ગયો અને પછી માંડીને બધી વાત કરી દીધી. તે બોલ્યો,"બાપુ, ભાભી આડા રસ્તે જઈ રહ્યા છે. ગામમાં વાતો થાય છે. રાજાભાઈ બધું જુએ છે પણ કંઈ કહેતા નથી. તમે કાં તો રાજાને સમજાવો અથવા ભાભીને કંઈક કહો, નહીંતર આપણા માટે ગામમાં રહેવું મુશ્કેલ થઈ પડશે. આપણી આબરૂના લીરેલીરા ઊડી જશે." મુકેશે આ નિર્ણય પરિવારના હિતમાં લીધો હતો પણ એના પડઘાં અપેક્ષા કરતા વિપરિત પડ્યાં. પત્નીનું જે રહસ્ય રાજા દબાવીને બેઠો હતો તેને મુકેશે પિતા સામે ઉઘાડું પાડી દીધું હતું. મુકેશ અને તેના પિતા વચ્ચે થયેલી વાતચીતે જાણે કે ક્યારથીયે શાંત પડેલા જ્વાળામુખીને સળગાવી દીધો હતો. નાના દીકરાની વાત સાંભળીને પિતા મોહનભાઈનું હૈયું દ્રવી ઉઠ્યું. સમાજમાં આબરૂ જશે એ બીકે તેમણે ગુસ્સામાં આવીને મોટા દીકરા રાજાને ફોન જોડ્યો. “રાજા, આ હું શું સાંભળું છું? વહુના ચારિત્ર્ય વિશે જે વાતો સંભળાય છે એમાં શું દમ છે?”,પિતાના સવાલનું શું જવાબ આપવો એ રાજાને સમજાયું નહીં. રાજાના કાનમાં જાણે ગરમ તેલ રેડાયું હોય એવો તેને અનુભવ થયો. એ પણ ગુસ્સામાં આવી ગયો. માંડ ધૈર્ય રાખીને બોલ્યો,"બાપુ… તમને આવી વાતો કોણે કરી? કોણ મારા ઘરના નળિયાં વિખે છે?" પિતાએ જે બન્યું હતું એ કહી દીધું,"મુકેશે મને બધી વાત કરી છે. એ કહેતો હતો કે તું બધું જાણવા છતાં ચૂપ છે." નાના ભાઈનું નામ સાંભળતા જ રાજાનો પીત્તો છટક્યો,"રાખું છું અત્યારે, પછી વાત કરીશ." રાજાનો ગુસ્સો હવે જાણે કે સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઘણા સમયથી પોતે પત્નીના કૃત્યો પર પડદો પાડવા પાડીને બેઠો હતો. એ પડદો તેના જ સગા ભાઈએ હટાવી દીધો હતો. એટલે રાજા માટે પત્ની પ્રત્યેના ગુસ્સા કરતા ભાઈ પ્રત્યેની નફરત વધી ગઈ. રાજા સીધો મુકેશના ઘરે પહોંચ્યો. ત્યાં મુકેશ અને તેની પત્ની મનુબેન હાજર હતા. રાજાનો ચહેરો ક્રોધથી લાલચોળ હતો. તેણે આક્રમક થઈને ધમકી આપતા કહ્યું,"તમે લોકોએ બાપુજીને આવી વાતો કેમ કરી? મારી આબરૂ કાઢી નાખી ને? હવે જોઈ લેજો, હું પણ જોઈ લઈશ કે તમે કેવી રીતે સુખેથી રહો છો." નાના ભાઈ સામે ઉકળાટ ઠાલવ્યા બાદ પણ રાજાની ઊંઘ ઉડી ગઈ હતી. પત્ની વાસંતીને કંઈ કહેવાની તેની હિંમત નહોતી પણ મુકેશને સબક શીખવવાનું ઝનૂન તેના મનમાં સવાર થઈ ગયું હતું. દિવસો વિતતા ગયા. પણ તેના મનમાં ઉભરેલો ગુસ્સો હજુ સુધી શાંત થયો ન હતો. 5 જૂનની એ સવાર પડી. રાજાને ખબર હતી કે મુકેશ દરરોજ બાઈક લઈને વાડીએથી નીકળે છે. સવારના સમયે એ રસ્તો સાવ ભેંકાર ભાંસતો હોય છે, કોઈની અવરજવર હોતી નથી, એટલે “કામ પતાવવા” માટે યોગ્ય સ્થળ લાગ્યું. તેણે તરત જ એક પરિચિત પાસેથી જીપ માગી, બહાનું ધર્યું કે થોડું કામ છે, બહારગામ જવું છે. જીપ લઈને તે ઘરે આવ્યો અને પત્ની વાસંતીને કહ્યું,"ચાલ, જીપમાં પાછળ બેસી જા, મારે તને ક્યાંક લઈ જવી છે." વાસંતી જીપમાં બેસી ગઈ. તેને અંદાજ પણ નહોતો કે તેનો પતિ આજે એક ભયાનક પાપ કરવા જઈ રહ્યો છે. રાજાએ જીપ રૈયા ગામ નજીક પરશુરામ મંદિર પાસે સૂમસામ કાચા રસ્તે એક ખૂણામાં ઉભી રાખી. વાસંતીએ પૂછ્યું,"અહીં કેમ ઉભા રહ્યા છીએ? અહીં તો કોઈ નથી." રાજાએ સ્ટીયરિંગ પર હાથ ફેરવતા ટૂંકો જવાબ આપ્યો,"બસ, થોડું કામ છે. તું બેસી રહે." પોતાના મનમાં ચાલી રહેલા ષડયંત્રનો અણસાર પણ આવવા ન દીધો. કારણ કે તેને ખબર હતી કે જો વાસંતી આ વાત જાણી જશે કે તેના દિયરની હત્યા કરવા જઈ રહ્યો છે તો તે કદાચ રોકી લેશે. રાજાની નજર સામેના વળાંક પર ટકેલી હતી. થોડી જ વારમાં બાઈકનો અવાજ સંભળાયો. રિઅરવ્યૂ મિરરમાં જોયું તો તે મુકેશ જ હતો. રાજા હવે એકદમ તૈયાર હતો. તેણે જીપનું એન્જિન ચાલુ કર્યું, પહેલા ગીયરમાં ગાડી નાખી અને એક્સિલરેટર પર પગ દબાવ્યો. મુકેશ જ્યારે જીપની બાજુમાંથી પસાર થયો ત્યારે તેણે જોયું કે મોટો ભાઈ જીપ લઈને ઉભો છે. પણ તેને એમ કે ભાઈ કોઈ કામથી ઉભા હશે, એટલે કંઈ પણ પૂછ્યા વગર તેણે પાણીના સંપ તરફ બાઈક વાળી દીધું. મુકેશ જેવો કાચા રસ્તે વળ્યો, રાજાની અંદરનો રાક્ષસ જાગી ઉઠ્યો. “આજે તારી જીભ કાયમ માટે શાંત કરી દઈશ.",રાજાએ બબડાટ કર્યો અને જીપ ભગાવી. પળવારમાં જ જીપ મુકેશની બાઈકની સાવ નજીક પહોંચી ગઈ અને એક જોરદાર ટક્કર મારી દીધી. મુકેશ અને બાઈક જીપના આગલા ભાગમાં ફસાઈ ગઈ. રાજાએ બ્રેક મારવાને બદલે એક્સિલરેટર પર પગ દબાવી રાખ્યો. લોખંડ અને રોડ વચ્ચેના ઘર્ષણના અવાજમાં મુકેશની મરણચીસો જરાય ન સંભળાઈ. મુકેશ લગભગ 25 ફૂટ સુધી ઢસડાયો. અંતે બાઈકનું પાછલું ટાયર જીપના વ્હીલ નીચે આવી જતાં જીપ અટકી ગઈ. રાજા ઉતાવળે નીચે ઉતર્યો. પાછળ બેઠેલી વાસંતી તો સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. રાજાએ તેને હાથ ખેંચીને નીચે ઉતારી અને પછી દોડવા લાગ્યો. પત્નીને ત્યાંથી ઘરે જવા રવાના કરી અને પોતે અલગ દિશામાં ભાગ્યો. નાસી છૂટ્યા પછી રાજાને ગભરામણ થવા લાગી. શું કરવું એ સુઝતું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે અંતે તેણે પત્નીના પ્રેમીને ફોન કર્યો. એ જ વ્યક્તિ, જેના કારણે આ આખી માથાકૂટ શરૂ થઈ હતી. "મેં કામ પતાવી દીધું છે... જીપ ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો છું. હવે હું ક્યાં જાઉં?", રાજા આટલું બોલતા ધ્રુજી ઉઠ્યો હતો. સામે છેડેથી પ્રેમીએ ઠંડા કલેજે સલાહ આપી,"પોલીસ સ્ટેશન જતો રહે. હું માણસ મોકલું છું, તું અત્યારે ક્યાં છે?" "હું ભીખાબાપાની વાડી નજીક છુપાયો છું. મને લેવા બાઈક મોકલો", રાજાએ કરગરતા કહ્યું. તેને ખબર નહોતી કે તેના ફોનમાં ઓટો-રેકોર્ડિંગ એપ્લિકેશન કરતૂતની સાક્ષી બની રહી છે. જો કે રાજા પોલીસ સ્ટેશન ન ગયો અને સાંજ સુધી ભટકતો રહ્યો. પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. પોલીસે મુકેશના પત્ની મનુબેનની ફરિયાદ નોંધી. સગા જેઠ રાજા સામે હત્યાનો ગુનો દાખલ થયો. તપાસ દરમિયાન પોલીસને રાજાના મોબાઈલમાંથી મળેલી એ ઓડિયો ક્લિપ મજબૂત પુરવો સાબિત થઈ. પોલીસે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ કઢાવ્યો અને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યો. રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસ દોઢેક વર્ષ ચાલ્યો. ભલે રાજાએ અકસ્માતની ઓથ લઈને બચવાનો પ્રયત્ન કર્યો પણ ફોરેન્સિક પુરાવા તેની વિરુદ્ધમાં હતા. રાજકોટ સેશન્સ કોર્ટે 16 સાક્ષી અને 46 પુરાવા ધ્યાને લીધા અને 23 જુલાઈ, 2024ના રોજ ચુદાકો સંભળાવ્યો. કોર્ટે રાજાને કલમ 302 એટલે કે હત્યાના કેસમાં નહીં પણ કલમ 304 હેઠળ બિનઇરાદે થયેલી હત્યામાં કસુરવાર ઠેરવ્યો. કોર્ટે રાજાને રોજાસરાને 10 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત ક્રાઈમ ફાઈલ્સઃ રાજકોટનો જીવલેણ અકસ્માત | Achira News