Achira News Logo
Achira News

ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા માટે આઈ. પી. એસ. અધિકારીઓની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે

Akila News
ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા માટે આઈ. પી. એસ. અધિકારીઓની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે
Full News
Share:

રાજકોટ:ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્રના આઈએએસ (IAS) કેડરના માળખામાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ એટલે કે આઈપીએસ (IPS) કેડરની સંખ્યામાં પણ વધારો કરવાની હિલચાલ તેજ બની છે. ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની પ્રવર્તમાન અછતને પહોંચી વળવા માટે કેડર સ્ટ્રેન્થ વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર દરખાસ્ત કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં દોઢ ડઝનથી વધુ નવી જગ્યાઓ ઉમેરાય તેવી પ્રબળ શક્યતા છે. અધિકારીઓની અછત અને નિવૃત્તિનું ગણિત:વર્તમાન આંકડાકીય સ્થિતિ મુજબ, ગુજરાતમાં આઈપીએસ કેડરનું મંજૂર થયેલું મહેકમ ૨૦૮ અધિકારીઓનું છે. તેની સામે હાલમાં રાજ્યમાં માત્ર ૧૯૩ આઈપીએસ અધિકારીઓ જ ફરજ બજાવી રહ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે અત્યારે પણ ૧૫ અધિકારીઓની ઘટ વર્તાઈ રહી છે. આ સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ ગંભીર બની શકે છે, કારણ કે માર્ચ મહિનાના અંતમાં રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારી શમશેર સિંહ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારબાદ જૂન મહિનામાં પ્રફુલ્લ કુમાર રોશન અને એમ.એલ. નિનામા તેમજ ઓગસ્ટ મહિનામાં રાજુ ભાર્ગવ નિવૃત્ત થશે. આમ, ટૂંકા ગાળામાં વધુ ચાર ઉચ્ચ અધિકારીઓ નિવૃત્ત થતા અછતનો આંકડો ૧૯ પર પહોંચશે. આઈએએસ કેડરની તર્જ પર વધારાની આશા:ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ આઈએએસ અધિકારીઓની સંખ્યામાં ૩૦નો વધારો કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. જેની સામે કેન્દ્ર દ્વારા ૧૫ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની સંખ્યા ૩૧૩ થી વધીને ૩૨૮ થઈ છે. હવે આ જ તર્જ પર પોલીસ વિભાગમાં પણ ૧૫ થી ૧૮ જેટલા નવા પદ મંજૂર કરવામાં આવે તેવી ગણતરી સરકાર દ્વારા રાખવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ મહત્વની પોસ્ટ પર કાયમી નિમણૂકો આપવા માટે આઈપીએસની સંખ્યા વધારવી અનિવાર્ય બની છે. જો કેન્દ્ર સરકાર આ દરખાસ્તને મંજૂરી આપે છે, તો ગુજરાત પોલીસ દળના ઉચ્ચ માળખાને નવી ગતિ મળશે અને અધિકારીઓ પરનું કામનું ભારણ પણ ઘટશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા માટે આઈ. પી. એસ. અધિકારીઓની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે | Achira News