Achira News Logo
Achira News

ગુજરાત સરકારે માછીમારોને ડીઝલના ભાવ વધારાથી બચાવ્યા

Akila News
ગુજરાત સરકારે માછીમારોને ડીઝલના ભાવ વધારાથી બચાવ્યા
Full News
Share:

ગાંધીનગર:ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠે વસતા અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો માછીમાર પરિવારોના આર્થિક હિતોના રક્ષણ માટે રાજ્ય સરકારે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા માછીમારી બોટ માટે વપરાતા ડીઝલના ભાવમાં લિટર દીઠ કરવામાં આવેલો રૂ. ૨૨.૪૩નો જંગી વધારો કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં મોટી રાહત વ્યાપી ગઈ છે અને માછીમારો પર આવી પડેલો આર્થિક બોજ હળવો થયો છે. સમગ્ર વિવાદ અને રજૂઆતની વિગત:ઘટનાની વિગતો મુજબ, ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને વ્યાજબી અને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે હેતુથી ભારત પેટ્રોલિયમ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ઓઈલ કંપની દ્વારા અચાનક જ માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. ૨૨.૪૩નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાના કારણે માછીમારોની આજીવિકા પર મોટું જોખમ ઉભું થયું હતું. આ ગંભીર મુદ્દે વિવિધ માછીમારી સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યોએ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી. કેન્દ્રમાં અસરકારક હસ્તક્ષેપ અને સફળતા:વિષયની ગંભીરતા અને માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારમાં ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી. મંત્રીએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) ને બલ્ક કન્ઝ્યુમરના ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ ન્યાયે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ 'સ્પેશિયલ એક્સેપ્શન' એટલે કે ખાસ કિસ્સો ગણીને રાહત આપવી જોઈએ. તેમણે આગ્રહ કર્યો હતો કે માછીમારોને મોટા ગ્રાહક (કન્ઝ્યુમર સેગમેન્ટ) ને બદલે છૂટક ગ્રાહકોની સમકક્ષ ગણીને રાહત દરે ડીઝલ પૂરું પાડવામાં આવે. વડાપ્રધાનનો આભાર અને સરકારની કટિબદ્ધતા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાતની આ વાજબી માંગણીનો ત્વરિત સ્વીકાર કર્યો છે. કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને સ્પષ્ટ સૂચના આપીને વધારો પાછો ખેંચવા આદેશ આપ્યો છે. હવે રાજ્યના તમામ માછીમારોને જૂના રાહત દરે જ ડીઝલનો પુરવઠો મળશે. આ સફળતા બાદ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા દરિયાના ખેડૂતો એવા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. આ નિર્ણયથી ગુજરાતના બ્લુ ઇકોનોમી સેક્ટરને નવું બળ મળશે અને માછીમારોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત સરકારે માછીમારોને ડીઝલના ભાવ વધારાથી બચાવ્યા | Achira News