ભૂજ, તા. ર : કચ્છના ગૌરવમાં વધારો થયો છે, કારણ કે બન્નીનું રતન ‘છારી-ઢંઢ'ને હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ' જાહેર કરવામાં આવી છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે. રાજ્યમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે. તેમણે કહ્યું કે,કચ્છના ઇકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ' કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ' તરીકે જાહેર કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે. ગુજરાતમાં પહેલેથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા પક્ષી અભયારણ્યો રામસર સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂકયા છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો, ભારતના કુલ ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલાં છે. ઉપરાંત, રાજ્યમાં ૧૯ વેટલેન્ડ્સ એવા છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્યતા વિસ્તારો તરીકે ઓળખાય છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન પૂરૂં પાડે છે.
ગુજરાતનું છારી-ઢાંઢ પક્ષી અભયારણ્ય રામસર સ્થળ જાહેર થયું, પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોમાં વધારો થયો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.