ગાંધીનગર :ગુજરાતના પશુપાલકો માટે રાજ્ય સરકારની સેક્સ્ડ સિમન ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અત્યાર સુધી ગાય કે ભેંસ ગાભણ થાય ત્યારે પશુપાલકોને પાડા કે વાછરડાના જન્મની ચિંતા સતાવતી હતી, કારણ કે નર પશુનો નિભાવ ખર્ચ વધુ અને આર્થિક વળતર ઓછું મળતું હતું. જોકે, પાટણ ખાતે સ્થાપિત 'ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ' ના માધ્યમથી હવે એવી ટેકનોલોજી અમલમાં આવી છે જે 90 ટકાથી વધુ સફળતા સાથે માત્ર માદા બચ્ચાનો જ જન્મ સુનિશ્ચિત કરે છે. પાટણના તૌફિકભાઇ મોમિન જેવા અનેક પશુપાલકોએ આ પદ્ધતિ અપનાવી પાડા-વાછરડાના ઉછેરના ખર્ચમાંથી મુક્તિ મેળવી પોતાની આવક બમણી કરી છે. આ ટેકનોલોજી પાછળનું વિજ્ઞાન સમજાવતા નિષ્ણાતો કહે છે કે નરના વીર્યમાં રહેલા 'X' અને 'Y' રંગસૂત્રોને વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. 'X' રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓથી માદા બચ્ચાનો જન્મ થાય છે, જેના કારણે દૂધાળા પશુઓની સંખ્યામાં કુદરતી વધારો થાય છે. ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ, રાજ્યમાં થયેલા હજારો વિયાણ પૈકી 91 ટકાથી વધુ કિસ્સામાં પાડી કે વાછરડીનો જન્મ નોંધાયો છે. આ સફળતાને જોતા રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષમાં વધુ 8 લાખ ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન કરી રહી છે, જે પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિનો નવો અધ્યાય લખશે. પશુપાલકોને આ ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે તે માટે સરકારે પ્રોત્સાહક ભાવ ઘટાડો પણ કર્યો છે. અગાઉ પ્રતિ ડોઝ રૂ. 300 લેવામાં આવતા હતા, જે હવે ઘટાડીને માત્ર રૂ. 50 કરી દેવામાં આવ્યા છે. આ નજીવી કિંમતે પશુપાલકો પોતાના પશુઓમાં કૃત્રિમ બીજદાન કરાવી શકે છે. તેનાથી નર પશુઓ પાછળ થતો ઘાસચારો અને ખાણ-દાણનો બિનજરૂરી ખર્ચ બચે છે અને ઉચ્ચ ઓલાદની વાછરડીઓ તૈયાર થતા ભવિષ્યમાં દૂધનું ઉત્પાદન પણ વધે છે. ગુજરાતના વિવિધ દૂધ સંઘો પણ આ ઝુંબેશમાં જોડાઈને છેવાડાના પશુપાલકો સુધી આધુનિક પ્રજનન તકનીકો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
ગુજરાતની સેક્સડ સીમેન ટેકનોલોજીએ પશુપાલકોની આવક બમણી કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.