અમેરિકામાં સવારનો સૂરજ હજુ ઊગ્યો નહોતો, લોકોના હાથમાં ટૂથબ્રશ હતું અને કોફીના મગમાંથી ધુમાડા નીકળતા હતા. પણ સાત સમંદર પાર દિલ્હીમાં રાતના 10 વાગી રહ્યા હતા, આખું ભારત સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીને સૂવાની તૈયારીમાં હતું. બરાબર એ જ વખતે વડાપ્રધાન આવાસમાં ટ્રમ્પે ભારત સામે નમતું જોખીને ટેક્સનો દર 25%થી સીધો 18% કરી નાખ્યો છે! આપણે રશિયાનું તેલ લેવાનું બંધ કરવાની શરત માની છે એટલે 25%નો પનિશમેન્ટ ટેરિફ પણ ટ્રમ્પ દૂર કરી દેશે. બદલામાં મોટાભાગની અમેરિકન બજારની ચાવી આપણા હાથમાં આવી ગઈ છે. શું છે આ આખું નફા-નુકસાનનું ગણિત અને તમારા ધંધા પર તેની કેવી અસર પડશે? ચાલો, આજે વાત કરીએ ભારત અને અમેરિકાની ટ્રેડની નવી નક્કોર ડિલ વિશે, અને જોઈએ કે કેવી રીતે ભારતના વધતા કદને મદદ કરશે... નમસ્કાર... ટ્રમ્પનું ટેરિફની હથિયાર આખરે બુઠ્ઠું સાબિત થયું છે. આજે અમેરિકામાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન ઘુમાવ્યો, જેનો પડઘો દુનિયા સહિત ગુજરાતમાં પણ સંભળાયો. છેલ્લા ઘણા વર્ષોથી સુરતનો હિરા ઉદ્યોગ મંદીમાં હતો તે પાછો ધમધમશે તેવી આશા છે. કેમ? કારણ કે અમેરિકાએ ભારતીય માલ પરનો ટેરિફ 25 ટકા ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ 7 ટકાના ગેપથી ભારતના એક્સપોર્ટર્સને નફામાં નુકસાન ઘટશે. અંતે ટ્રમ્પે થૂંકેલું ચાટવું પડ્યું આ આખી વાતમાં વિલન છે અમેરિકામાં બેઠેલા ટ્રમ્પની ટેરિફ નીતિ અને એક અનસિન વિલન છે અમેરિકાના પીટર નવારો. વાત જાણે એમ છે કે ટ્રમ્પને થૂંકેલું ચાટવું પડ્યું છે. અમેરિકાએ ભારત પર ટેરિફનો વરસાદ કર્યો હતો તેના પર હવે પોતે જ પીછેહઠ કરવી પડી છે. ટ્રમ્પને સમજાયું ભારત વિના ઉદ્ધાર નથી આ મુદ્દાને સાવ સાદી રીતે સમજવો હોય તો કલ્પના કરો કે એક દુકાનદાર તમને જે વસ્તુ વેચતો હતો તેના ભાવ વધારી દે. સ્વાભાવિક છે તમે તે દુકાનની જગ્યાએ બીજી દુકાનેથી વસ્તુ લેશો કારણ કે ત્યાં તમને વસ્તુઓ મોંઘી મળી રહી છે. છેલ્લે કંટાળીને તે જ દુકાનદાર તમને ફોન કરીને કહે કે ભાઈ મારે તમારી જરૂર છે, ભાવ સસ્તો કરી દઉં છું. બસ ઓગસ્ટ 2025 અને ફેબ્રુઆરી 2026માં ભારત અમેરિકા વચ્ચે આવું જ કંઈક થયું છે. અમેરિકાએ ભારત પર આર્થિક ઘેરાબંધી કરી હતી તે હવે ઓછી થઈ ગઈ છે. કારણ કે આપણે અમેરિકાના દબાણમાં ન આવીને રશિયા પાસેથી તેલ ખરીદ્યું, યુરોપ સાથે રાતોરાત ડિલ પાડી દીધી અને આ બધું થયું તો ટ્રમ્પને તેમના જ લોકોએ સમજાવ્યું કે સાહેબ કે ભારત વગર આપણો ઉદ્ધાર નથી. મોદી અને ટ્રમ્પની જાહેરાતોમાં ફરક ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે તેમાં કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. પરંતુ નરેન્દ્ર મોદીએ એક્સ પર ટ્વિટ કરી તેમાં રશિયાના રનો પણ ઉલ્લેખ નથી. ટ્રમ્પે લખ્યું કે ભારત અમેરિકન સામાન પર ટેરિફ શુન્ય સુધી લઈ જશે, જો કે નરેન્દ્ર મોદીએ આ વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ભારત 500 અરબ ડોલરની અમેરિકન વસ્તુઓ ખરીદશે. જો કે નરેન્દ્ર મોદીએ 500 અરબ ડોલરનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. બસ આટલામાં બીટવિન ધ લાઈન્સ ઘણી વિગતોની ખબર પડી જાય છે. ટ્રમ્પના ટેરિફને સરળ રીતે સમજો વાત જાણે એમ છે કે ટ્રમ્પે ભારત પર 2025માં બે પ્રકારના ટેક્સ નાખ્યા હતા. એક રેસીપ્રોકલ ટેરિફ (25%) એટલે કે તમે ટેક્સ લગાવો તો અમે પણ લગાવીશું અને બીજો રશિયન ઓઈલ ખરીદી પર પનિશમેન્ટ ટેરિફ (25%) કારણ કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ લેતું હતું તે અમેરિકાને મંજૂર ન હતું. 25% અને 25% એમ કૂલ મળીને આપણા પર અમેરિકાએ 50 ટકાનો ટેરિફ નાખ્યો. જેના કારણે ભારતના માલની અમેરિકામાં કિંમતો વધી અને ભારતથી અમેરિકામાં માલ ઓછો પહોંચ્યો. પણ આજે ભારતે રશિયન ઓઈલ ખરીદવાની અમેરિકાની શરત સ્વિકારી લીધી અને બદલામાં અમેરિકાએ ટેરિફની પેનલ્ટી ઓછી કરી દીધી છે. એક ગુજરાતી તરીકે આપણું વેપારી મગજ સવાલ પૂછે કે, આમાં આપણને શું લેવાદેવા? તો ચાલો ડેટાથી સમજીએ... આનો સીધો મતલબ એ થયો કે અમેરિકાના મોલમાં ભારતનું ટી-શર્ટ વિયેતનામ, બાંગ્લાદેશ કે ચીન કરતા સસ્તું વેચાશે. સીધી વાત છે જેટલો માલ સસ્તો એટલો વધારે વેપાર... US-ભારત ડિલથી રશિયા રૂઠી જશે? આમાં આપણને એવું લાગે કે રશિયા તો આપણું જૂનું અને પાક્કું દોસ્ત છે તો તેની પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દઈએ તો તેને ક્યાંક ખોટું નહીં લાગી જાયને? પણ સામેની બાજુ રશિયા પણ જાણે છે ભારતની વિદેશનીતિ તટસ્થ અને કોઈના દબાણમાં ન આવે એવી છે. રશિયા ભારતના મામલામાં દખલ નથી કરતું કારણ કે તે આપણા સાર્વભૌમત્વનું માન જાળવે છે. રશિયા જાણે છે કે ભારત પોતાના નાગરિકોનું હિત પહેલા જોશે જે કોઈ પણ દેશ સ્વાભાવિક છે એવું જ વિચારે. ભારતે રશિયાના બદલામાં અમેરિકા પાસેથી એનર્જી સેક્ટરમાં ખરીદી કરવાની શરતો મૂકી છે. એટલે આપણે રશિયા પાસેથી તેલ પણ ખરીદીશું અને અમેરિકાના બજારની ચાવી પણ આપણી પાસે જ રહેશે. અમેરિકાએ વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પરના પ્રતિબંધો હળવા કરીને ભારતને ત્યાંથી તેલ ખરીદવાની મંજૂરી આપી છે. પણ જીઓગ્રાફિની દ્રષ્ટિએ રશિયાથી તેલ મગાવવું લોજિસ્ટિક્સની નજરે સસ્તું છે જ્યારે ભારતને પેલેપાર રહેલા વેનેઝુએલાથી તેલ ખરીદવામાં ભારતને ખોટ થઈ શકે છે. વેપાર 100 અરબ પણ નથી તે 500 અરબે પહોંચશે? ટ્રમ્પની વાત માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને 500 બિલિયન ડોલરનું કમિટમેન્ટ આપ્યું છે. ટૂંકમાં આ વાત ખાલી ટેક્સ ઘટાડવા સુધીની જ નથી પણ અમેરિકા પાસેથી એનર્જી, ટેક્નોલોજી અને ખેત પેદાશો ખરીદવાની પણ છે. આના કારણે અમેરિકાના ખેડૂતોને સસ્તી વસ્તુઓ મળશે અને તે ખુશ થશે. પણ બદલામાં અમેરિકા ભારતના IT અને ફાર્મા સેક્ટર માટે દરવાજા ક્યારે ખોલશે તે મોટો સવાલ છે. બીજી મહત્વની એ વાત છે કે વર્ષ 2024માં ભારતે અમેરિકા પાસેથી 41.5 અરબ ડોલરનો સામાન ખરીદ્યો હતો અને અમેરિકાએ ભારત પાસેથી 41.8 અરબ ડોલરનો સામાન ખરીદ્યો હતો. બંનેનો કુલ વેપાર 83 અરબ ડોલર છે, 100 અરબ ડોલર પણ નથી. તેમાં ભારત એકલું 500 અરબ ડોલરની અમેરિકન માલની ખરીદી કેવી રીતે કરશે તે એક મોટો ગેપ છે. ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થયો મંગળવારે સવારે શેરબજારના આંકડામાં જ વધારો નથી જોવા મળ્યો. ડોલર સામે રૂપિયાની તાકાતમાં પણ સુધારો જોવા મળ્યો છે. ડિલ પહેલા રૂપિયો ડોલર સામે 91 પર હતો જે હવે 90 પર આવી ગયો છે. જેના કારણે ભારતના જે વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા ગયા છે તેમને ફાયદો થશે અને આપણને દુનિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવામાં ખૂબ જ મોટો ફાયદો થશે. હવે ગુજરાત આ ડિલમાં ક્યાં છે અને આપણને શું ફાયદો થશે તેની વાત કરીએ. કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અમેરિકા ચીન પાસે 34 ટકા ટેક્સ વસૂલે છે અને હવે ભારત પાસેથી 18 ટકા વસૂલશે જેના કારણે દહેજ સહિત ગુજરાતની કેમિકલ કંપનીઓને ઓર્ડર બૂક કરવામાં ફાયદો થશે. બાંગ્લાદેશમાં અત્યારે રાજકીય સ્થિરતા નથી જેના પર અમેરિકા 20 ટકા ટેરિફ વસૂલે છે અને ભારત પર હવે 18 ટકા જ ટેક્સ વસૂલશે એટલે કાપડ વેપારમાં ફાયદો થઈ શકે અને ભારત ટેક્સટાઈલ માર્કેટમાં અમેરિકાનો નંબર વન સપ્લાયર બની શકે. લેબગ્રોન ડાયમંડ, હિરાની આયાત અને અમેરિકાના ટેરિફના કારણે વર્ષોથી સુરતના રસ્તનકલાકારોના ચૂલા ઠરેલા છે. હવે ટેરિફ 18 ટકા થતા સુરતના હિરા ઉદ્યોગની ડિમાન્ડ ન્યૂયોર્કની જ્વેલરી શોપમાં વધી શકે છે. કારણ કે અમેરિકામાં આજની પરિસ્થિતિએ પણ રશિયન હિરા પર બેન છે. સૌથી મોટો ફાયદો રૂપિયાની આંશિક પણ નાની મજબૂતીમાં છે. આ રિયલટાઈમ ફાયદો છે, બાકી ટેરિફ અને ફ્રી ટ્રેડ ડિલ સમય લઈ લે છે. હવે વાત કરીએ કે ભારત યુરોપની મધર ઓફ ઓલ ડિલ્સ અને અમેરિકાની ડિલમાં શું ફેર છે? આ ડિલ સરખી લાગતી હોય તો એવું નથી. બંને ડિલમાં ફરક છે. ભારત યુરોપ, અમેરિકા, રશિયા વચ્ચે બ્રિજ આ ડિલને જીઓપોલિટિક્સની નજરે જોઈએ તો યુરોપ અને અમેરિકાની કિટ્ટા થઈ ગઈ છે અને બીજી બાજુ અમેરિકાને રશિયા અને ચીન સામે થોડો વાંધો છે. બે ભાગમાં વહેંચાયેલી દુનિયામાં એક બાજુ અમેરિકા છે, બીજી બાજુ યુરોપ, રશિયા ચીન જેવા દેશો છે. આમાં ભારત ચીન છોડીને બધા વચ્ચે બરોબર બ્રિજ બનીને બેઠું છે. જયશંકર મોટી ડીલ પાર પાડી શકે વાણિજ્ય મંત્રીએ આજે સ્પષ્ટ કર્યું કે ભારત તેના ડેરી અને ખેતી સેક્ટરના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે. ટ્રમ્પ ભલે ઝીરો ટેરિફ કહેતા હોય, પણ ભારત પોતાના ખેડૂતોનું રક્ષણ કરશે. મંત્રી ગોયલે કહ્યું કે આ સોદો તેના પડોશીઓની તુલનામાં ‘ભારતને મળેલો શ્રેષ્ઠ સોદો’ છે. બીજી બાજુ એસ. જયશંકર અત્યારે વોશિંગ્ટનમાં જ છે. સમાચાર છે કે આવતીકાલે તેઓ અમેરિકાના માર્કો રૂબિયો સહિતના ટોચના નેતાઓ સાથે ક્રિટિકલ મિનરલ્સ પર મોટી ડીલ કરી શકે છે. આજે 3 ફેબ્રુઆરીએ સવારે નોંધાયેલા વધારા બાદ દિવસના અંતે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો કારણ કે રોકાણકારો હવે આ ડીલની ફાઈન પ્રિન્ટ એટલે કે ઝીણી વિગતોની રાહ જોઈ રહ્યા છે. વિલન નવારોની સૂડી વચ્ચે સોપારી યાદ કરો સપ્ટેમ્બર 2025માં અમેરિકાના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારત વિશે અપમાનજનક વાતો કહી હતી. તેણે ભારતને મહારાજા ઓફ ટેરિફ કહ્યું હતું, રશિયન તેલને બ્લડ મની કહ્યું હતું, ભારતની આર્થિક પ્રગતિને વેમ્પાયર જેવી કહી હતી, કાસ્ટ સિસ્ટમ પર પણ કમેન્ટ કરી બ્રાહ્મણો નફાખોરી કરી રહ્યાનો આરોપ મૂક્યો હતો. હવે વારેઘડીએ નિવેદનોની ફેરફદુરડી ફરતા ટ્રમ્પના આ નિર્ણય વિશે તેમના ઈકોનોમિક એડવાઈઝર નવારો શું કહેશે તે મોટો સવાલ છે. આજ એ જ અમેરિકા ઘૂંટણ ટેકવીને સમજી ગયું છે કે 140 કરોડનું માર્કેટ અમેરિકન કંપનીઓ માટે ઓક્સિજન છે. જો શ્વાસ નહીં લે તો પતી જશે. અને છેલ્લે... થોડું કડવું છે પણ સત્ય છે. આપણે માનીએ છીએ કે ભારત રાજકીય અને આર્થિક લેવલે વિશ્વમાં મોટું થઈ રહ્યું છે પણ ટેરિફ લગાવવાનો નિર્ણય અને હટાવવાનો નિર્ણય પણ ટ્રમ્પ જ લઈ રહ્યા છે. આટલું જ નહીં જાહેરાત પણ તેઓ જ કરી રહ્યા છે. બજારમાં વાતો થઈ રહી છે કે ભારતનું શેરમાર્કેટ વધે-ઘટે કે રૂપિયાનું જોર ડોલર સામે વધે-ઘટે તે પણ ટ્રમ્પના નિવેદનો જ ડિસાઈડ કરી રહ્યા છે. જે જાહેરાત ભારતને કરવાની હોય તે દુનિયા આગળ ટ્રમ્પ કરી રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
ટ્રમ્પનું ટેરિફ હથિયારઃ ભારતની વધતી અર્થવ્યવસ્થા માટે વરદાન?
Divya Bhaskar•
Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.