નવી દિલ્હી, તા.૨૧: સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન ધરાવતા દરેક વ્યક્તિને સ્વયંભૂ મીડિયા બની જવાના અને સંવેદનશીલ વીડિયો તરત જ અપલોડ કરવાના ચેપી વલણ પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે અવલોકન કર્યું કે જ્યારે રસ્તા પર લોહી વહેતું હોય ત્યારે લોકો મદદ કરવાને બદલે કેમેરા કાઢીને કન્ટેન્ટ બનાવવામાં મશગૂલ થઈ જાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર ચાલતી આ ડિજિટલ ટ્રાયલ આરોપીના ન્યાયી સુનાવણીના અધિકાર માટે મોટો ખતરો છે, કારણ કે સત્ય બહાર આવે તે પહેલા જ જનતાના મનમાં પૂર્વગ્રહ બંધાઈ જાય છે. અદાલતે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આરોપીઓના ફોટા અને વીડિયો અપલોડ કરવાની પ્રથાને આડે હાથ લીધી હતી. જસ્ટિસ બાગચીએ નોંધ્યું કે પોલીસની આવી હરકતોથી લોકોમાં એવો પૂર્વગ્રહ પેદા થાય છે કે પકડાયેલ વ્યક્તિ જ ગુનેગાર છે, પરંતુ જ્યારે તે નિર્દોષ છૂટે છે ત્યારે ન્યાયતંત્ર બદનામ થાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સોશિયલ મીડિયા પર સક્રિય કેટલાક તત્વોને બ્લેકમેઈલર્સ ગણાવ્યા હતા. કોર્ટે આ મામલે તપાસમાં પારદર્શિતા અને આરોપીની ગરિમા વચ્ચે સંતુલન જાળવવા તમામ રાજ્યોને પોલીસ-મીડિયા બ્રીફિંગ માટે કડક ગાઈડલાઈન્સ તૈયાર કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ સુનાવણી દરમિયાન ડિજિટલ ધરપકડ અને પ્રેસના ખોટા સ્ટીકરો લગાવીને ફરતા લોકોનો મુદ્દો પણ ગાજ્યો હતો. સીજેઆઈએ ચિંતા વ્યક્ત કરી કે નાના શહેરોમાં લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે વકીલના સ્ટીકરો લગાવીને ટોલ ટેક્સ બચાવવા અથવા ગુપ્ત હેતુઓ સિદ્ધ કરવા માટે હિંમતભેર ફરે છે. આ વ્યાપક દૂષણને રોકવા માટે કોર્ટે અરજદારને એપ્રિલ પછી વધુ વિસ્તળત વિગતો સાથે નવી અરજી દાખલ કરવા સૂચન કર્યું છે, જેથી સોશિયલ મીડિયાના અનિયંત્રિત પ્રવાહને કાયદાકીય મર્યાદામાં લાવી શકાય.
ન્યાયી સુનાવણી પર સોશિયલ મીડિયાની અસર સામે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.