અમદાવાદ :અમદાવાદમાં આઈપીએલ ફીવરની સાથે મેટ્રો ટ્રેનનો ક્રેઝ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાત અને બેંગલુરુ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન મેટ્રોએ મુસાફરોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો પાર કરીને નવો ઇતિહાસ રચ્યો છે. સ્ટેડિયમ પહોંચવા માટે ક્રિકેટ રસિયાઓએ ખાનગી વાહનોને બદલે મેટ્રોની સવારી પસંદ કરતા એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2.25 લાખ લોકોએ મુસાફરી કરી હતી. આ સાથે મેટ્રોએ પોતાનો અગાઉનો 2.21 લાખ મુસાફરોનો વિક્રમ તોડીને શહેરી પરિવહનમાં નવું શિખર સર કર્યું છે. શહેરના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી બચવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા પ્રેમીઓ માટે મેટ્રો સૌથી વધુ સુરક્ષિત, ઝડપી અને સસ્તું સાધન સાબિત થયું છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો, પરંતુ આઈપીએલની મેચના દિવસે સ્ટેશનો પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મેટ્રો પ્રશાસન દ્વારા પણ વધતી ભીડને પહોંચી વળવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે હજારો લોકો સમયસર સ્ટેડિયમ પહોંચી શક્યા હતા. મેટ્રો સેવાની આ સફળતા દર્શાવે છે કે અમદાવાદમાં હવે જાહેર પરિવહન વ્યવસ્થા લોકોની જીવનરેખા બની રહી છે. ખાનગી ટેક્સીના ઊંચા ભાડા અને મેચ બાદના ટ્રાફિક જામથી બચવા માટે યુવાઓ અને પરિવારોએ મેટ્રોને પ્રાથમિકતા આપી હતી. આ આંકડાઓ સાબિત કરે છે કે આગામી દિવસોમાં યોજાનારી અન્ય મેચોમાં પણ મુસાફરોની સંખ્યામાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. હાલમાં સમગ્ર શહેરમાં ક્રિકેટના રોમાંચ સાથે મેટ્રોની રફ્તાર પણ ચર્ચાનો વિષય બની છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભીડ, અમદાવાદ મેટ્રોએ બનાવ્યો નવો વિક્રમ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.