નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજે રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. લોકસભામાં ત્યારે ભારે હોબાળો મચી ગયો જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના વિવાદાસ્પદ અને અપ્રકાશિત પુસ્તકના અંશો રજૂ કર્યા. ચીન, ડોકલામ અને ગલવાન સંઘર્ષના મુદ્દે સરકારને ઘેરતા રાહુલે ૧૪ મિનિટ સુધી બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્તાધારી પક્ષના સભ્યોએ ભારે શોરબકોર કરી તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન માઇક્રોફોન બંધ કરી દેવાતા વિપક્ષી સાંસદોનો પિત્તો ગયો હતો અને સદનની ગરિમા લજવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ગૃહની કાર્યવાહી દરમિયાન એક સાંસદે અધ્યક્ષને સંબોધતા "મિત્ર" શબ્દનો પ્રયોગ કર્યો. આ સાંભળતા જ ઉપાધ્યક્ષ કૃષ્ણ પ્રસાદ ટેનેટી લાલચોળ થઈ ગયા હતા અને તેમણે કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, "આ સંસદ છે, તમે સ્પીકરને 'મિત્ર' કહીને સંબોધી શકો નહીં." આ ટિપ્પણી બાદ સદનમાં કાગળો ઉછળ્યા હતા અને ભારે ધાંધલ-ધમાલ વચ્ચે સ્પીકર પર કાગળો ફેંકવા બદલ કોંગ્રેસના ૭ અને સીપીઆઈ(એમ)ના ૧ મળી કુલ ૮ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્શનના વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સંસદ સંકુલની બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે જ્યારે પણ ચીન કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે, ત્યારે સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માટે સસ્પેન્શનનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. બીજી તરફ, ભાજપનું કહેવું છે કે જનરલ નરવણેનું પુસ્તક હજુ પ્રકાશિત પણ થયું નથી, તેમ છતાં તેના અપ્રમાણિત અંશો રજૂ કરીને રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હાલમાં સંસદની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, પરંતુ રાજકીય ગરમાવો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
પુસ્તકના વિવાદાસ્પદ અંશોને લઈને સંસદનું સત્ર હંગામો બની ગયું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.