ઈમ્ફાલ: મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા અને અશાંતિનો આખરે સુખદ અંત આવ્યો છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે મળેલી હાઈ-વોલ્ટેજ બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને સર્વાનુમતે મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને સંબિત પાત્રાની હાજરીમાં મળેલી આ બેઠકમાં ૩૫ ધારાસભ્યોએ ખેમચંદના નામ પર મહોર મારી હતી, જે દર્શાવે છે કે હિંસાથી પ્રભાવિત રાજ્યમાં ભાજપ હવે નવા નેતૃત્વ સાથે સ્થિરતા લાવવા માંગે છે. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેના વંશીય સંઘર્ષ બાદ એન. બિરેન સિંહની સરકારે રાજીનામું આપ્યું હતું, જેને પગલે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આ હિંસાએ રાજ્યના સામાજિક માળખાને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે કેન્દ્રીય નેતૃત્વએ નેતૃત્વ પરિવર્તનનો કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ અને પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવીની હાજરીમાં લેવાયેલો આ નિર્ણય સૂચવે છે કે પક્ષ હવે વિભાજિત સમુદાયો વચ્ચે સેતુ બાંધવા માટે ખેમચંદ સિંહના અનુભવ અને મધ્યમમાર્ગી છબીનો ઉપયોગ કરવા માંગે છે. નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ યુમનામ ખેમચંદ સિંહ સામે પડકારોનો પહાડ ઉભો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી, વિસ્થાપિત થયેલા હજારો લોકોને ફરી વસાવવા અને બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પેદા કરવો એ તેમની પ્રાથમિકતા રહેશે. ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ સિંહે આ નિમણૂકને આવકારતા કહ્યું કે, લાંબા સમયથી પ્રજા જે લોકપ્રિય સરકારની રાહ જોતી હતી તે હવે મળવા જઈ રહી છે. મણિપુરની જનતાને આશા છે કે નવા મંત્રાલયની રચના સાથે રાજ્યમાં ફરી એકવાર શાંતિ અને વિકાસની લહેર પાછી ફરશે.
મણિપુર ભાજપના નેતા તરીકે યુમ્નમ ખેમચંદ સિંહની વરણી, નવા મુખ્યમંત્રી માટે માર્ગ મોકળો થયો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.