અમદાવાદ તા.૩ : દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર મળવી આવશ્યક છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્સરની બિમારી એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે. જીવનશૈલી, પર્યાવરણીય અને આનુવંશિક પરિબળોના કારણે મોંઢાના કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ ઉમરના ૦૩ કરોડથી વધુ વ્યક્તિઓની મોંઢાના કેન્સર, ૧.૬ કરોડથી વધુ મહિલાઓની સ્તન કેન્સર તેમજ ૮૨ લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરાયું છે. કેન્સરના રોગની સમયસર તપાસ, નિયમિત સ્ક્રીનિંગ અને આરોગ્યદાયક જીવનશૈલી અપનાવવાથી કેન્સર રોગના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઇ શકે છે, જેના પરિણામે અનેક જીવ બચાવી શકાય છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ એક કરોડ નાગરિકો કેન્સરથી મૃત્યુ પામે છે, જ્યારે ભારતમાં દર વર્ષે અંદાજિત આશરે ૧૪ લાખ નવા કેસ નોંધાય છે. ICMR–NCDIRના અહેવાલ મુજબ ગુજરાતમાં પુરુષોમાં ૦૯ માંથી ૦૧ અને મહિલાઓમાં ૧૨ માંથી ૦૧ મહિલાને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ હોય છે. પુરુષોમાં તમાકુ સંબંધિત કેન્સર અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.
વિશ્વ કેન્સર દિવસઃ જાગૃતિ વધારવી અને વ્યક્તિ-કેન્દ્રિત સંભાળ પર ભાર મૂકવો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.